નર્મદા જિલ્લા કક્ષાના 9માં “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી દેડીયાપાડા તાલુકાના ટીંબાપાડા સ્થિત ઇનરેકા સંસ્થા ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના માન. મંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં કરાઈ હતી. જિલ્લા કક્ષાનાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ સાધકો, શાળાના બાળકો અને જિલ્લાનાં નાગરિકોને સંબોધતા મંત્રી કુંવરજીભાઇ હળપતિએ યોગને કાવ્યાત્મક શૈલી સાથે જોડીને જણાવ્યું કે, "નમોને પસંદ એજ અમોને પસંદ, વાદ નહીં વિવાદ નહીં, યોગ દિવસ સિવાય કોઈ વાત નહીં." ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગને વિશ્વ ફલક ઉપર લઈ જઈ દેશના દિર્ઘદ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વનાં જન જનને આરોગ્યની ગુરૂચાવી આપી છે.
તેના કારણે જ આજે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સાથે યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી રોગોને ભગાવી તંદુરસ્ત જીવન શૈલી અપનાવીએ તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં યોગનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય, જન સમુદાયમાં યોગ અંગે જાગૃત્તિ ફેલાય અને યોગ પ્રવૃતિ વધુ વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૨૧મી જૂન, ૨૦૧૯નાં રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. યોગને પણ સ્પોર્ટ્સ તરીકેની માન્યતા આપવામાં આવી છે. જેના પરિણામે ગત વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે ૭૮ હજાર જેટલા લોકોએ નોંધણી કરાવી ઉત્સાહ દાખવ્યો હતો.
આ વેળાએ સુરત ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ અમેરિકા ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વીડિયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમથી વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે આપેલું પ્રેરક ઉદબોધન સૌએ સાંભળ્યું હતું. ત્યારબાદ સૌ સહભાગીઓએ યોગાભ્યાસ કર્યો હતો. નર્મદા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે બે આઈકોનિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઇનરેકા સંસ્થાન-દેડીયાપાડાની પસંદગી કરવામાં આવી હતી. તેને સમાંતર તાલુકા અને નગરપાલિકા કક્ષાએ અને શાળા-કોલેજમાં પણ યોગ દિવસની જિલ્લાભરમાં ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application